GUJARAT

મોદી સરકારમાં ગુજરાતના પાંચ કેબિનેટ મંત્રી: અમિત શાહ, નડ્ડા, માંડવિયા, પાટીલ અને એસ. જયશંકરે કેબિનેટ અને નિમુબેને રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા – Ahmedabad News


મોદી 3.0ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લઈ લીધા છે. એની સાથે સાથે ગુજરાત ક્વોટામાંથી પણ પાંચ સાંસદને મંત્રી બનાવવામાં આવ્યા છે , જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણિયા અને એસ. જયશંકરનો

.

જોકે ગુજરાતમાંથી રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનાં પત્તાં કપાયાં છે. વિદેશમંત્રી એસ.જયશંકર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે, એટલે તેમને ગુજરાતના ક્વોટામાં ગણવામાં આવ્યા છે. જ્યારે અન્ય ચાર સાંસદ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વિજેતા બન્યા છે. આમ, બે રાજ્યસભાના અને 4 લોકસભાના સભ્ય મંત્રી બન્યા છે.

નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 સાંજે વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેમણે રાષ્ટ્રીય વોર મોમેરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. શપથ લેવાની સાથે જ મોદી સતત ત્રણ વખત વડાપ્રધાન બનવાના ભૂતપૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નેહરુનાં 62 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરશે. નેહરુ 1952, 1957 અને 1962માં સતત ત્રણ વખત જીતીને પીએમ બન્યા હતા. જોકે નેહરુની સરકાર પાસે સંપૂર્ણ બહુમતી હતી. મોદીની ત્રીજી ઇનિંગ ગઠબંધનના આધારે ચાલશે.

પાછલાં 10 વર્ષમાં કુલ 13 સાંસદ કેન્દ્રમાં મંત્રી બન્યા
2014 અને 2019માં ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર હોવાથી સાથી પક્ષોને મંત્રીમંડળમાં ઓછું સ્થાન મળ્યું હતું. બંને ટર્મમાં કુલ મળીને ગુજરાતના 13 સાંસદ મોદી સરકારમાં મંત્રી રહ્યા છે. આ વખતે ગુજરાત ક્વોટામાંથી મંત્રીઓની સંખ્યા ઘટી શકે છે. 2014 અને 2019 બંને વખતે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીના પદ શપથ લીધા ત્યારે તેમના સિવાય ગુજરાતમાંથી બે કેબિનેટ કક્ષાના અને બે રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. મોદીની પહેલી ટર્મમાં મંત્રીમંડળ વિસ્તરણ વખતે ગુજરાતમાંથી 2 મંત્રીઓનું પત્તું કપાયું હતું અને નવા 3 મંત્રીઓ ઉમેરાયા હતા. જ્યારે મોદી 2.0માં મંત્રીમંડળ વિસ્તરણ વખતે માંડવિયા અને રૂપાલાને રાજ્યકક્ષાથી કેબિનેટ કક્ષાનો દરજ્જો મળ્યો હતો. 2021માં દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુજપરાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયાં હતાં.

શેરબજારથી લઈ પાઇપના બિઝનેસમાં માહેર હતા શાહ
અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મહારાષ્ટ્રના મુંબઇમાં અનિલચંદ્ર શાહના ઘરે થયો હતો. અમિત શાહનું પૈતૃક ગામ માણસા છે. મહેસાણમાં શરૂઆતનો અભ્યાસ કર્યા બાદ તેમણે બાયો-કેમિસ્ટ્રીમાં બીએસસી પૂરું કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના પિતાનો બિઝનેસ સંભાળવા લાગ્યા. વીસ વર્ષની ઉંમરમાં શાહે પીવીસી પાઇપ બનાવવાની નાની ફેક્ટરી શરૂ કરી. તેઓ ગુજરાતમાં સિંચાઇ માટે પાઇપ બનાવનારા પ્રથમ ઉદ્યમી હતા. ત્યાર બાદ અમિત શાહ શેરબ્રોકર બન્યા હતા. આ દરમિયાન તેમણે સોનલ શાહ સાથે લગ્ન કર્યા અને 22 સપ્ટેમ્બર 1988ના રોજ તેમના ઘરે જય શાહ નામના પુત્રનો જન્મ થયો. જય શાહે 2015માં ઋષિતા પટેલ સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2017માં પુત્રીના પિતા બન્યા હતા. આમ, શાહ હાલ દાદા બની ચૂક્યા છે.

16 વર્ષે ‘તરુણ સ્વયંસેવક’ બન્યા
અમિત શાહે 1980માં 16 વર્ષની ઉંમરે માણસામાં ‘તરુણ સ્વયંસેવક’ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈને જાહેર જીવનની શરૂઆત કરી હતી. આમ, તેમની 16 વર્ષની ઉંમરથી શરૂ થયેલી સફર 40 વર્ષ સુધી પહોંચી છે.

એબીવીપીમાં એન્ટ્રી અને પોલિંગ એજન્ટથી રાજકીય સફરની શરૂઆત કરી
ત્યાર બાદ અમિત શાહ કૉલેજ કરવા માટે અમદાવાદ આવ્યા ત્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીમાં જોડાયા હતા. 1982માં બાયો-કેમિસ્ટ્રીનો અભ્યાસ કરી રહેલા અમિત શાહને અમદાવાદ એબીવીપીમાં મંત્રી બનાવવામાં આવ્યા અને 1984-85માં ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા. તેમને સૌપ્રથમ જવાબદારી નારણપુરા વોર્ડના પોલ એજન્ટ તરીકેની મળી. ત્યાર બાદ 1987માં ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા. ત્યાર બાદ શાહે પ્રથમ ચૂંટણી 1988માં પ્રાથમિક સહકારી સંઘની લડી હતી, જેમાં તેમનો વિજય થયો અને 1989માં ભાજપના અમદાવાદ શહેર સંગઠન મંત્રી બન્યા.

વાજપેયી-અડવાણીના ચૂંટણી ઈન્ચાર્જ
ભાજપ પ્રવેશ બાદ તેમણે 1991માં અડવાણીના અને 1997માં અટલ બિહારી વાજપેયી ગાંધીનગર લોકસભા ચૂંટણીના ઈન્ચાર્જની જવાબદારી સંભાળી. આ બન્ને ચૂંટણીમાં અડવાણી અને અટલજીને ભવ્ય જીત મળી.

સરખેજથી પહેલી વિધાનસભા ચૂંટણી લડ્યા
1995માં ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કૉર્પોરેશનના ચૅરમૅન બન્યા અને 1997માં ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા. એક બાદ એક રાજકારણની સીડી ચડી રહેલા અમિત શાહ હવે વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર હતા અને 1997માં સરખેજ વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા. એની સાથે સાથે 1998માં શાહની ગુજરાત ભાજપના મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી અને 1999માં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ બન્યા.

પાંચ ટર્મ ધારાસભ્ય અને 8 વર્ષ ગૃહ રાજ્યમંત્રી
સરખેજ વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા બાદ અમિત શાહ સતત 4 ટર્મ સરખેજના ધારાસભ્ય અને 2012થી 2017 સુધી પાંચમી ટર્મમાં નારણપુરાના ધારાસભ્યપદે રહ્યા. એની સાથે સાથે 2002થી 2010 સુધી ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહરાજ્ય મંત્રી પદની જવાબદારી પણ સંભાળી.

ઉત્તરપ્રદેશથી રાષ્ટ્રીય રાજકારણમાં ઉદય
2013માં મોદીને ભાજપના વડાપ્રધાનપદ ઉમેદવાર કર્યા બાદ અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2014માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા અને લોકસભા 2014માં ભાજપે ભવ્ય સફળતા મેળવતાં તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. ત્યાર બાદ 2016માં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ફરી એકવાર પસંદગી થઈ. એની સાથે સાથે 2016માં સોમનાથ મંદિરના ટ્રસ્ટી પણ બન્યા. ત્યાર બાદ 2017માં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા.

બંગાળી, આસામી, તમિળ ભાષા શીખ્યા
ભારતભરમાં ભાજપનો વ્યાપ વધારવા અમિત શાહે ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની ભાષા સમજવા અને પ્રચાર કરવા માટે ટ્યૂશન લીધા. શાહે મમતાના ગઢમાં ગાબડાં પાડવા બંગાળી, તમિળ, મણિપુરી અને આસામી જેવી વિવિધ ભાષાઓ માત્ર એક વર્ષના ગાળામાં જ શીખી લીધી. ભાષાનું પ્રાથમિક જ્ઞાન લીધા બાદ એના પર પકડ પણ જમાવી.

સહકાર ક્ષેત્રમાં દબદબો
અમિત શાહના સહકાર ક્ષેત્રમાં રહેલા દબદબા અંગે વાત કરીએ તો તેઓ 22 જાન્યુઆરી 2000થી 22 ડિસેમ્બર 2002 સુધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના અધ્યક્ષ તરીકે સેવા આપી. તેઓ ગુજરાત સ્ટેટ અર્બન કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેંક એન્ડ ક્રેડિટ સોસાયટી(નવી દિલ્હી)ના ડાયરેક્ટર, અમદાવાદ સેન્ટ્રલ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ ફેડરેશનના ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર અને એડીસી બેંકના ડાયરેક્ટર પદ સહિતના અનેક હોદ્દા પર રહ્યા છે.

રાજનીતિના ખેલાડી ચેસના શોખીન અને ક્રિકેટમાં અગ્રેસર
તેઓ 23 એપ્રિલ 2006થી 18 એપ્રિલ 2010 સુધી ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના પ્રમુખપદે રહ્યા હતા. જ્યારે 15 સપ્ટેમ્બર 2009થી 13 જૂન 2014 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ રહ્યા હતા. એની સાથે સાથે બીસીસીઆઈના ફાઇનાન્સ સમિતિના સભ્ય અને ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટના એક્ઝિક્યુટિવ મેમ્બર પણ હતા.

કોણ છે સી.આર. પાટીલ?
સી.આર.પાટીલ (ચંદ્રકાંત રઘુનાથ પાટીલ)નો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પિંપરી-અકારાઉત ખાતે થયો હતો. પાટીલે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રમાં લીધું અને આગળના અભ્યાસ માટે દક્ષિણ ગુજરાત આવ્યા. છેલ્લે સુરતમાં ITIમાં અભ્યાસ કર્યો હતો.

પાટીલ કોંગ્રેસીઓને ભાજપમાં લાવીને ઓપરેશન લોટસ કરવામાં માહેર છે. 1989માં તેઓ રાજકારણમાં આવી ગયા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા રહ્યા હતા. આ ભાજપનો ઉદય થવાની શરૂઆત હતી. ભાજપની સરકાર આવી ત્યાર પછી 1995થી 1997 સુધી તેઓ જીઆઈડીસી (ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન)ના ચેરમેન બન્યા હતા. 1998થી 2000 જીએસીએલના ચેરમેન હતા. સુરતના અને ગુજરાતના કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે ઘરોબો ધરાવે છે અને એક સારા ફંડ મેનેજર તરીકે પણ તેઓ પક્ષમાં હંમેશાં જાણીતા રહ્યા છે. સુરત ભાજપના કોષાધ્યક્ષ તરીકે પણ પાંચ વર્ષ રહી ચૂક્યા છે.

સૌથી વધુ લીડથી જીતવા માટે દેશભરમાં છે જાણીતા
જ્યારથી(2009) નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી એટલે 4 ટર્મથી ભાજપના સી.આર.પાટીલ જીતી રહ્યા છે. 2019માં સૌથી વધારે લીડથી જીતીને તેમણે દેશનું ધ્યાન ખેચ્યું હતું. ત્યાર પછી સી.આર. પાટીલનું ભાજપમાં કદ વધ્યું છે. હાલ તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ છે. 2019માં તેમણે 6,89,668 મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી હતી જે ચૂંટણી ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી વધુ માર્જિન હતું. 2014માં તેઓ 5,58,116 મતના વિક્રમી માર્જિનથી ચૂંટાયા હતા, જે સમગ્ર ભારતમાં ત્રીજા સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર હતા. ચોથી ટર્મમાં પણ તેઓ 7,70,000 કરતાં વધુ મતથી ચૂંટાઈ આવ્યા છે.

સી.આર. ભાજપ માટે ઇલેક્શનના સ્ટ્રેટેજી મેકર છે
સી.આર. પાટીલને ‘ઇલેકશન સ્પેશિયાલિસ્ટ’ એટલા માટે માનવામાં આવે છે, કેમ કે તેઓ કપરા સંજોગોમાં ભાજપાના ઉમેદવારો કેવી રીતે જીતી શકે એનું માઇક્રોપ્લાનિંગ કરે છે અને એ રીતે પ્રચાર-પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ ભાજપા ક્યારેય જીતીન હતી એવા ક્ષેત્રની વિધાનસભા બેઠકોની જવાબદારી ઉપાડીને તેમણે ભાજપાના ઉમેદવારો વિજયી બને એ માટેનું નેટવર્ક ગોઠવ્યું હતું. કોઇપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી મેકર તરીકે તેમની સેન્સ લેવામાં આવે છે.

સી.આર. પાટીલનો પરિવાર
સી આર પાટીલના પરિવારમાં તેમની માતા, તેમની પત્ની, તેમની 3 દીકરી,1 પુત્ર, 2ભાઈ અને 1 બહેન છે. ત્રણ દીકરી પૈકી બે દીકરી રાજકારણમાં સક્રિય છે. બંને દીકરીઓ મહારાષ્ટ્રમાં રાજકારણમાં પોતાની ભૂમિકા ભજવી રહી છે. મહારાષ્ટ્રના ઘુલિયા જિલ્લામાં રાજકીય ફલક પર આગળ વધી રહી છે. પુત્ર જિજ્ઞેશ પાટીલ યૂથ ફોર ગુજરાત નામનું સંગઠન ચલાવે છે તેમ જ ગુજરાત ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ પદ પર પણ છે. રાજકીય રીતે સીધા સક્રિય નથી.

કોણ છે મનસુખ માંડવિયા?

  • 1972માં જન્મેલા માંડવિયા 28 વર્ષની વયે ધારાસભ્ય બન્યા અને નાની વયના ધારાસભ્યોમાંના એક હતા.
  • ભાવનગર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનારા માંડવિયાએ ભાજપમાં તેમની કારકિર્દી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી શરૂ કરી હતી.
  • 1992માં તેઓ વિદ્યાર્થી નેતા તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા અને ટૂંક સમયમાં જ ABVPની એક્ઝિક્યુટિવ કમિટીમાં સ્થાન મેળવી લીધું.
  • 1996માં તેઓ સક્રિય રાજનીતિમાં પ્રવેશ્યા અને ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા, માત્ર બે જ વર્ષમાં તેઓ પાલિતાણા ભાજપના પ્રમુખ બન્યા.
  • 2002માં તો તે ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી યુવા ચહેરા તરીકે ઊભરી આવ્યા.
  • 2004 અને 2006માં તેઓ કન્યા કેળવણી માટે પદયાત્રાઓ યોજીને રાજ્યની નેતાગીરીની નજરમાં આવ્યા અને એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને બિરદાવ્યા.
  • 2004ના વર્ષે તેમણે કન્યા કેળવણી માટે 145 કિલોમીટર લાંબી પદયાત્રા કરી, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા.એબીવીપીમાં સક્રિય હતા એ વખતે પણ.
  • તેઓ કન્યા કેળવણી માટે કામ કરી રહ્યા હતા.
  • 2005માં ધારાસભ્ય બન્યા બાદ તેમણે પાલિતાણા તાલુકાનાં 40 જેટલાં ગામડાંમાં ‘કન્યા કેળવણી જ્યોત પદયાત્રાનું આયોજન કર્યું હતું.
  • 2007માં પાલિતાણા વિધાનસભામાં આવતાં આશરે 100 ગામડાંની પદયાત્રા કરી હતી.
  • 2010માં તેઓ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બન્યા.
  • 2012માં તેઓ ગુજરાતના રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા.
  • 2013માં તેમનું નામ ગુજરાત ભાજપના સ્ટેટ સેક્રેટરી તરીકે પણ ચર્ચાયું હતું.
  • 2014માં જ્યારે નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી લડ્યા ત્યારે ભાજપે મોટા પાયે સભ્ય બનાવવાની ઝુંબેશ ચલાવી હતી. આ જવાબદારી ભાજપે માંડવિયાને સોંપી હતી.
  • પ્રથમ વખત રાજ્યકક્ષાના મંત્રી બન્યા ત્યારે શપથવિધિમાં તેઓ પોતાના ઘરેથી સંસદ સુધી સાઇકલ પર ગયા હતા. સાઇકલ પર સંસદ પહોંચવાની તેમની તસવીર વાઇરલ પણ થઈ હતી.
  • મોદી સરકારની પ્રથમ ઇનિંગમાં રાજ્યકક્ષાના રોડ અને ટ્રાન્સપોર્ટ, હાઇવે, કેમિકલ અને ફર્ટિલાઇટર તેમજ શિપિંગમંત્રી રહી ચૂક્યા છે.
  • 2018માં ફરીથી તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા.
  • કેન્દ્રીય મંત્રીમંડળના તાજેતરમાં થયેલા વિસ્તરણમાં નવા સામેલ કરવામાં આવેલા ચહેરાઓ પૈકી ટૂંકી કારકિર્દીમાં કેન્દ્રીય મંત્રીમંડળ સુધી પહોંચનારા નેતા તરીકે મનસુખ માંડવિયાનું નામ લેવાય છે.

કોણ છે નિમુબેન બાંભણિયા?
કોળી સમાજમાં આવતાં નિમુબેન બાંભણિયા 2005થી 2020 સુધી સતત ત્રણ ટર્મ ભાવનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યાં છે. બે વખત મેયર પણ રહી ચૂક્યાં છે. શહેર સંગઠનમાં મહિલા પ્રમુખ અને ઉપ-પ્રમુખની જવાબદારી નિભાવી ચૂક્યાં છે, સાથે પ્રદેશમાં પણ અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર શહેર મહિલા મોરચા, તથા જૂનાગઢના પ્રભારી તરીકે સેવા આપી ચૂક્યાં છે, ચૂંટણી દરમિયાન રાજકોટ, જૂનાગઢ તથા અમરેલીમાં નિરીક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!