GUJARAT

મહિલાએ બોયફેન્ડ સાથે મળી લૂંટનો પ્લાન ઘડ્યો: છરી બતાવી ફાઇનાન્સ પેઢીના કર્મી પાસેથી 40 લાખ લૂંટ્યા; CCTV ફૂટેજથી પર્દાફાશ – Gandhidham News


પૂર્વ કચ્છ પોલીસે અંજારમાં ડેવલોપર્સ પેઢીમાં થયેલી 40 લાખની લૂંટનો ભેદ ઉકેલી બનાવને અંજામ આપનાર મહિલા અને તેના બોયફેન્ડ સહિત સાત શખસોને પોલીસે પકડી પાડ્યા છે. અંજારના મિસ્ત્રી કોલોનીમાં આવેલી મહાવીર ડેવલોપર્સ પેઢીનાં માણસો 40 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ

.

બે મોટર સાઈકલ પર ચાર બુકાનીધારી યુવકો ત્રાટક્યાં
ગુરુવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં અંજારના મહાવીર ડેવલોપર્સ એન્ડ ફાઈનાન્સ પેઢીના બે કર્મચારી નિત્યક્રમ મુજબ દસ્તાવેજો અને રોકડ રકમ ભરેલાં થેલાં લઈ ઓફીસ નીચે પાર્ક શેઠની બલેનો કારમાં રાખવા જતા હતા ત્યારે, અચાનક બે મોટર સાઈકલ પર ચાર બુકાનીધારી યુવકો ત્રાટક્યાં હતા. ચારે જણ છરી બતાવી 40 લાખની રોકડ સહિતના થેલાં લૂંટી નાસી છૂટ્યાં હતાં. ઘટના બાદ તુરંત જ અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી.

CCTV ફૂટેજથી થયો પર્દાફાશ
પોલીસની એક ટીમે ઘટનાસ્થળ આસપાસના CCTV ચેક કરતાં ડેવલોપર પેઢીની પાછળ આવેલી ખાનગી હોસ્પિટલના CCTVમાં ચારેક બાઈકસવાર લૂંટારાં લૂંટ આચરતાં પૂર્વે થોડીકવાર માટે ત્યાં ઊભાં રહ્યાં હોવાનું જોવા મળ્યું હતું. બીજી ટીમે રોકડ રકમ ભરેલાં થેલાં ગાડીમાં મૂકવા જતાં બેઉ કર્મચારીના મોબાઈલ ચેક કરી પૂછપરછ કરતાં દોઢ-બે મહિના અગાઉ પ્યુન તરીકે નોકરી લાગેલાં કિશોર વયના સગીર પર શંકા ગઈ હતી.

રોજ લાખો રૂપિયાના વહેવાર થતાં જોઈ હાથ મારવાનું મન થયું
પોલીસ તપાસમાં પ્યૂને કબૂલ્યું કે, રોજ તેની સામે રોકડમાં લાખો રૂપિયાના વહેવાર થતાં જોઈ તેને હાથ મારવાનું મન થયું હતું. પ્યૂન અગાઉ અંજારના મેઘપર બોરીચીની નેન્સી સોસાયટીમાં રહેતો હતો. જ્યાં તેની પડોશમાં રમીલા જોગી નામની મહિલા રહેતી હતી. રમીલાનો કિશોર વયનો પુત્ર પ્યૂનનો ખાસ મિત્ર થતો હતો. પ્યૂને મિત્રને આ અંગે વાત કરતાં મિત્રએ માતા રમીલાને તે વિશે વાત કરી હતી. જેથી રમીલાએ તેના અન્ય પરિચિતોને વાત કરી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

મહિલાએ બોયફેન્ડ સાથે મળી લૂંટનો પ્લાન ઘડ્યો
પોલીસે પ્યૂન, નેન્સી સોસાયટીમાં રહેતી રમીલા જોગી અને તેના પુત્રની પૂછપરછ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે, મહિલાનું અસલી નામ ફરઝાના ઊર્ફે મંજુ ઈમરાનખાન મલેક છે અને તે મૂળ ભુજના કેમ્પ એરીયાની રહેવાસી છે. પ્રથમ પતિ સાથે તલાક બાદ તે ભચાઉના યુવક સાથે રીલેશનમાં છે. તપાસમાં બહાર આવ્યું કે, તે યુવક પણ સત્તરેક વર્ષનો કિશોર છે. આ કિશોરે રોકડ મામલે તેના મિત્ર મામદ બાવલા મથડા (મીઠા પોર્ટ, કંડલા)ને વાત કરી હતી. જેથી મામદ, સગીર અને ફરઝાનાએ મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. મામદે લૂંટ કરવા માટે તેના અન્ય ત્રણ સાગરીતો ભુપેન્દ્ર છોટેલાલ કેવર, હબીબ ઊર્ફે આદિલ હાજીભાઈ કોરેજા અને ફારૂક જુમા નારેજાને સામેલ કર્યા હતા. સૌએ રેકી કરીને મોટો હાથ મારવાનું કાવતરું ઘડ્યું હતું.

બોયફેન્ડે અન્ય ચાર મિત્રોની મદદથી કાવતરું ઘડ્યું
40 લાખ રૂપિયાની રોકડ રકમ હોવાની જાણ પ્યૂને ફરઝાનાના પુત્રને કરી હતી. ફરઝાનાએ તે સંદેશ પોતાના બૉયફ્રેન્ડને અને બૉયફ્રેન્ડે મામદને શેર કર્યો હતો. ટીપ મળતાં જ મામદે ત્રણ સાગરીતો સાથે બે બાઈક પર આવી લૂંટ આચરી હતી. લૂંટ આચર્યા બાદ બે આરોપી ભચાઉ તરફ નાઠેલાં અને બે આરોપી પૂર્વ આયોજીત પ્લાન મુજબ ગઢશીશા પહોંચ્યા હતા. મુંદરાના વાંકી ગામે રહેતા મામદના બનેવી ઈકબાલ મીઠુભાઈ બાયડે ગઢશીશા આવીને બે આરોપી પાસેથી રોકડ રકમ અને દસ્તાવેજ ભરેલાં થેલાં લઈ જઈ પોતાના ઘરમાં છૂપાવી દીધા હતા.

લૂંટનાં બનાવને અંજામ આપનાર 9માંથી 7 શખસોની ધરપકડ.

લૂંટનાં બનાવને અંજામ આપનાર 9માંથી 7 શખસોની ધરપકડ.

પોલીસે બોયફેન્ડ સહિત 7 શખસોને પકડી પાડ્યા
પ્યુન, ફરઝાના અને તેના પુત્ર બાદ પોલીસે સૂઈગામ તરફ નાસી ગયેલાં ફરઝાનાના બૉયફ્રેન્ડને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ લૂંટ આચરનારાં ભુપેન્દ્ર અને હબીબ તથા ઘરમાં લૂંટનો માલ છૂપાવનારાં ઈકબાલ બાયડ પણ ઝડપાઈ જતાં ધરપકડનો આંકડો સાત પર પહોંચ્યો છે. જો કે, મામદ બાવલા અને ફારૂક નારેજા હાથ લાગ્યા નથી. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

જાણો આ અંગે પોલીસ અધિક્ષકે શું કહ્યું
આ મામલે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત તા.6 જૂનના રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં આ લુંટનો બનાવ બન્યો હતો. જેમાં મહાવીર ડેવલપર્સ ઓફિસની અંદર કામ કરતાં કર્મચારીઓએ લૂંટારું સાથે મળી ફરીયાદીને લૂંટ્યા હતા. જેમાં ફરીયાદી બલેનો કારમાં રોજબરોજની જેમ રૂપિયા તથા જરૂરી દસ્તાવેજ, લેપટોપ બેગ મુકવા ગયા ત્યારે બે મોટર સાઈકલ પર આવેલા ચાર ઈસમોએ છરીની અણીએ લુંટને અંજામ આપી નાસી ગયા હતા.

મહિલા સહિત આશરે 9 શખસોએ સાથે મળીને અંજામ આપ્યો
પોલીસ તાત્કાલિક અલગ-અલગ 8 ટીમો બનાવી CCTV ફુટેજના આધારે મહાવીર ડેવલપર્સના સ્ટાફનો ઈન્ટ્રોગેસન હાથ ધર્યો હતો. જેમાં કાયદાનાં સંઘર્ષમાં આવેલા કિશોરની પૂછપરછ દરમિયાન આ ગુનાને તેણે તથા અન્ય એક મહિલા તથા આશરે 9 શખસોએ સાથે મળીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ ટીમ આધારે લુંટને અંજામ આપનાર ગાંધીધામનાં ભુપેન્દ્ર છોટેલાલ કેવર, ખારીરોહરનાં હબીબ ઉર્ફે આદીલ હાજીભાઈ કોરેજા, કાવતરું રચનાર અને કાયદાનાં સઘર્ષમાં આવેલા બે બાળકિશોર, ફરજાના ઉર્ફે મંજુ ઈમરાનખાન મલેક, મદદગારી કરનાર બાળ કિશોર તથા મુદ્દામાલ છુપાવનાર વાંકી મુન્દ્રાના ઈકબાલ મીઠુભાઈ બાયડને પકડી પાડ્યા હતા. જ્યારે હિંમતપુરા ભચાઉનાં ફારૂક જુમા નારેજા, મીઠા પોર્ટ કંડલાના મામદ બાવલા મથડાને પકડવાનાી તજવીજ ચાલુ છે.

મહત્વની ભુમિકા ભજવનાર સંસ્થાને પ્રમાણપત્ર
આ કાર્યવાહીમાં 40 લાખ રોકડા, મોબાઈલ ફોન 10, ગુનાના કામે વપરાયેલી મોટર સાઈકલ 2 કબ્જે કરી હતી. આ સાથે 24 કલાકની અંદર જ ગુનાના ભેદ ઉકેલી લેવા બદલ પોલીસ ટીમને 20 હજાર રોકડ ઈનામ આપવાની જાહેરાત કરાઈ હતી. ગુનાનો ભેદ ઉકેલવામાં મહાવીર ડેવલોપર્સ તથા શ્રૃતિ હોસ્પિટલનાં સીસીટીવી કેમેરાઓએ મહત્વની ભુમિકા ભજવી તે બદલ બંન્ને સંસ્થાને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!