GUJARAT

ભરૂચમાં મનસુખ જ ‘દાદા’, જીત બાદ એ જ અંદાજ: બોલ્યા, ભાજપના લોકોએ પણ મને હેરાન કર્યો, સારા નેતા બનવા ચૈતરને શું સલાહ આપી?


ભરૂચ2 કલાક પેહલાલેખક: હર્ષ પટેલ, પ્રકાશ મેકવાન

  • કૉપી લિંક

“આ વખતે મનસુખદાદાને નિવૃત્ત કરી દેવાના છે. મારે તેમને કહેવું છે, હવે તમારી ઉંમર થઈ ગઈ છે. આરામ કરો અને અમારા જેવા યુવાનને લડવા દો, તક આપો.”

ભરૂચમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા. જોકે તમામ વિપરીત સંભાવનાઓનો છેદ ઉડાડીને ભરૂચમાં મનસુખ વસાવા સતત સાતમી વખત લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. જ્યારે ભાજપને મળેલી આ સળંગ અગિયારમી જીત છે. જોકે મનસુખ વસાવાની લીડ ગત ચૂંટણી કરતાં અઢી લાખ ઘટી છે છતાંય “ભાંગ્‍યું ભાંગ્‍યું તોય ભરૂચ”.

હવે મનસુખ વસાવાને દીકરી પ્રીતિ વસાવાએ પણ પિતાનો રાજકીય વારસો સંભાળવાની અને ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી દીધી છે. એટલે ભરૂચનું રાજકારણ આગામી દિવસોમાં વધુ રસપ્રદ બનશે એ નક્કી.

દિવ્ય ભાસ્કરે મનસુખ વસાવા, તેમનાં પત્ની સરસ્વતીબેન વસાવા અને દીકરી પ્રીતિ વસાવા સાથે વાતચીત કરી હતી. મનસુખ વસાવા કોઈપણ મુદ્દે સીધી વાત કહેવા ટેવાયેલા છે. ઐતિહાસિક જીત બાદ જ્યારે તેમણે દિવ્ય ભાસ્કરને ઇન્ટરવ્યૂ આપ્યો તો ઘણા સવાલોના જવાબ “જો” અને “તો” વગર આપ્યા. તેમણે ભાજપના જ કેટલાક નેતાઓને આડેહાથ લઈ લીધા. એટલું જ નહીં, ચૈતર વસાવાને પણ માર્મિક શિખામણ આપી ગયા.

પોતાની જીત બાબતે પહેલી પ્રતિક્રિયા આપતાં મનસુખ વસાવાએ કહ્યું, હું તો શરૂઆતથી જ કહેતો હતો કે હું જીતવાનો છું. મારા વિસ્તારના નેતાઓથી લઈ બૂથ લેવલના કાર્યકર્તાઓ સુધી દરેકે કામ કર્યું છે. અમારી પહોંચ દરેક બૂથ સુધીની હતી. એટલે મતમાં પરિવર્તિત થયું છે. ડેડિયાપાડા સિવાયની્ 6 વિધાનસભામાં અમે ખૂબ મોટા માર્જિનથી બહુમતી મેળવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ ભરૂચ વિસ્તારના લોકો માટે અનેક કાર્યો કર્યા છે, એટલે અમે જીત મેળવી છે.

મનસુખ વસાવાએ દાવો કર્યો કે મારી સામેના પક્ષે મારા વિરુદ્ધ ગમે તે હદ સુધી અપ-પ્રચાર કર્યો, વ્યક્તિગત આક્ષેપ થયા, I.N.D.I.A. અને કેટલાંક ટ્રાઇબલ સંગઠનો અમારા પર સાવ તૂટી પડ્યાં હતાં. અમે આ સીટ ન જીતીએ એ માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા હતા છતાં પણ અમારી મહેનત અને ભાજપની છાપને કારણે ભવ્ય જીત મેળવી.

‘મારી ઓફિસથી લઈ તબિયત સુધી સવાલ ઉઠાવ્યા’
તેઓ આગળ કહે છે, ચૈતર વસાવા માત્ર નિમિત્ત છે. આમ આદમી પાર્ટીએ ભરૂચમાં છેલ્લી કક્ષાનો પ્રચાર કર્યો હતો, જાણે કંઈ બાકી જ રાખ્યું ન હતું. તેઓ આરોપ લગાવતા હતા કે મારી સાંસદ તરીકેની ગ્રાન્ટ નથી વપરાતી, પરંતુ હકીકત એ છે કે મારી ગ્રાન્ટ પૂરેપૂરી આદિવાસી જનતાના હિત માટે વાપરવામાં આવે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે મારી કોઈ ઓફિસ નથી, પરંતુ ભરૂચમાં મારી ઓફિસ કેટલાંય વર્ષોથી ખુલ્લી છે. આમ આદમી પાર્ટી તો એ હદ સુધી ગઈ કે મારી તબિયત પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થયો એ પહેલાંથી જ મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક તણખલા ઝરતા રહ્યા હતા. એક સમય તો એવો આવ્યો કે બન્ને નેતા બોલવામાં સીમા ઓળંગી ગયા હતા. હવે ચૂંટણીમાં જીત બાદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાએ માર્મિક શિખામણ આપી છે.

જીત બાદ કાર્યકરોએ મનસુખ વસાવાને અભિનંદન આપ્યાં હતાં.

જીત બાદ કાર્યકરોએ મનસુખ વસાવાને અભિનંદન આપ્યાં હતાં.

ચૈતર વસાવાને જીત બાદ આપ્યો ખાસ સંદેશ
મનસુખ વસાવાએ ચૈતર વસાવાને રાજકીય શિખામણ આપતાં કહ્યું, ‘મેં પહેલાં પણ ચૈતરને કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે તું કોઈની વાતમાં આવીશ નહીં. તારો આત્મા તને જે કહે છે એ કબૂલ કર.’ ચૈતર વસાવાને પડદા પાછળ ઉશ્કેરનારા અનેક લોકો હતા. મતદાન પતી ગયા પછી પણ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓએ ચૈતર વસાવાને ગેરમાર્ગે દોરી મારી સાથે લડાવવાનો પ્રયાસ કર્યો. જો રાજકીય કારકિર્દી બનાવવી હોય તો પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળવો પડે. પ્રજાના પ્રશ્નોને જો અધિકારીઓને ધમકાવીને ઉકેલવાનો પ્રયાસ કરશો તો પ્રશ્ન ઉકેલાવાને બદલે ગૂંચવાવા લાગશે. ચૈતર વસાવા ધારાસભ્ય છે, એટલે તેમણે ધારાસભ્યની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ.

મારી જ પાર્ટીના નેતાઓએ વિરુદ્ધમાં કામ કર્યું
ભરૂચમાં મનસુખ વસાવાને ગત ચૂંટણીમાં 3,34,214 મતની લીડ મળી હતી. આ ચૂંટણીમાં તેમની લીડ 2,48,518 મતથી ઘટીને માત્ર 85,696 થઈ ગઈ છે. આ મુદ્દે મનસુખ વસાવાનો દાવો છે ભાજપના જ કેટલાક લોકોએ ભરૂચમાં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે.

તેમણે કહ્યું, મારી જ પાર્ટીના કેટલાક નેતાઓએ મારા વિરુદ્ધ કામ કર્યું. માત્ર અમારી જ નહીં, દરેક પાર્ટીમાં આવું બનતું હોય છે. આ પ્રશ્નનો ઉકેલ લાવવા અમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું. કેટલાય લોકોએ મને હેરાન કર્યો, પરંતુ અર્જુનની જેમ મારી આંખ આ સીટની જીત પર હતી અને અમે એ જીતી બતાવી છે.

આવનારા પાંચ વર્ષમાં કામકાજનો રોડમેપ શું?
મનસુખ વસાવાએ કહ્યું હતું કે જનતાએ મારા પર સાતમી વખત વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું મારા વિસ્તારની જનતા માટે કેટલાંક મોટાં કામો કરીશ. ભરૂચ લોકસભા મતવિસ્તારમાં મોટા ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી મળે એ માટે હું પ્રયત્નો કરીશ. અંકલેશ્વર, આમોદ, ભરૂચ, જંબુસર જેવા શહેરી વિસ્તારમાં પણ ગ્રાન્ટનો વધુ લાભ મળે એ દિશામાં કામ કરીશું. મારા વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈની સમસ્યા અને જમીન સંપાદનના મુદ્દાનો ઉકેલ લાવીશ.

અમે મનસુખ વસાવાની જીત બાદ તેમના પરિવાર સાથે પણ ખાસ વાતચીત કરી હતી

મનસુખ વસાવાનાં પત્ની સરસ્વતીબેન વસાવાએ કહ્યું, મારા પતિ સાતમી વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે. આ જીતથી ખૂબ ખુશ છું. ભરૂચ સીટ પર ભારે રસાકસી હતી, પરંતુ આખો દિવસ પ્રચાર કરીને તેઓ ઘરે આવે તો ક્યારેય તેમને હારની ચિંતા થતી ન હતી. તેઓ મને કહેતા કે ચોક્કસ જીત આપણી જ થવાની છે.

સરસ્વતીબેન વસાવાએ વધુમાં કહ્યું, મેં પણ મારા પતિ માટે પૂરતો પ્રચાર કર્યો છે. દરેક તાલુકા, ગામડામાં અમે પણ સતત દોઢ મહિનો પ્રચાર કર્યો હતો. મારા પતિ પર અને પરિવાર પર વ્યક્તિગત આક્ષેપ થયા, તેમ છતાં જનતાએ ભરોસો કરીને મત આપ્યા એની ખુશી છે.

મનસુખ વસાવાનાં પત્ની સરસ્વતીબેન અને પુત્રી પ્રીતિ.

મનસુખ વસાવાનાં પત્ની સરસ્વતીબેન અને પુત્રી પ્રીતિ.

‘પિતાના વારસદાર તરીકે રાજનીતિમાં આવીશ’
પોતાના પિતાની લોકસભાની ચૂંટણીમાં સળંગ સાતમી જીત વિશે મનસુખ વસાવાના દીકરી પ્રીતિ વસાવા કહે છે, આ અમારી ખૂબ મોટી જીત છે. મેં અને અમારા પરિવારે સતત પ્રચાર કરીને પિતાનો સાથ આપ્યો. પિતા પ્રચાર કરીને ખૂબ મોડા ઘરે આવતા. અમારો આખો પરિવાર સાથે બેસીને ચર્ચા કરતો. અમને થોડી ચિંતા જરૂર હતી, પરંતુ અમારી જીત પાક્કી હોવાનો વિશ્વાસ પણ હતો.

પિતાના રાજકીય વારસદાર કોણ બનશે? એ અંગે પ્રીતિ વસાવા કહે છે, જો પાર્ટી કહેશે તો હું ચોક્કસ પિતાનો વારસો સંભાળીશ અને ચૂંટણી લડીશ.

મનસુખ વસાવાનાં પુત્રી પ્રીતિ વસાવા.

મનસુખ વસાવાનાં પુત્રી પ્રીતિ વસાવા.

ભરૂચમાં આ વખતે મનસુખ વસાવાને ભાજપે અનેક વખત મંથન કર્યા બાદ ટિકિટ આપી હોવાની ચર્ચા હતી, કારણ કે મનસુખ વસાવા 1998થી સાંસદ છે. સામે તેમનો મુકાબલો યુવા નેતા ચૈતર વસાવા સાથે હતો. એટલે ભાજપને એન્ટી-ઇન્કમબન્સી નડવાનો ડર હતો, પરંતુ જ્ઞાતિ સમીકરણ અને હરીફ ઉમેદવારને જોતાં ભાજપના પોર્ટફોલિયોમાં કદાચ બીજો કોઈ ઉમેદવાર ફિટ બેસી નહીં શક્યો હોય. ભાજપે લીધેલું આ કેલ્ક્યુલેટિવ રિસ્ક સફળ રહ્યું અને ગઢ સચવાઈ ગયો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!