GUJARAT

લોકસભાના 11 એક્ઝિટ પોલ ગુજરાત વિશે શું કહે છે?: 8 સરવેમાં ભાજપની ક્લિન સ્વીપ, 2 સરવેએ ચોંકાવ્યા, કોંગ્રેસને વધુમાં વધુ 1 સીટનું અનુમાન


3 કલાક પેહલા

  • કૉપી લિંક

લોકસભાની ચૂંટણીનાં પરિણામો પહેલાં એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ ગયા છે. કુલ 11 એક્ઝિટ પોલમાંથી 8મા ભાજપ ગુજરાતમાં ફરી એકવાર તમામ સીટો જીતશે એવું અનુમાન કરવામાં આવ્યું છે. જ્યારે બાકીની ત્રણ સરવે એજન્સીના આંકડાએ ચોંકાવ્યા છે. છેલ્લી બે ચૂંટણીથી ભાજપ તમામ સીટ જીતતું આવ્યું છે. પરંતુ આ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને એકથી બે સીટનું નુકસાન થઈ શકે એવું ત્રણ એક્ઝિટ પોલના આંકડા દર્શાવી રહ્યા છે. એટલે કે ગુજરાતમાં કોંગ્રેસ વધુમાં વધુ 2 સીટ પર જીતી શકે છે. પરંતુ I.N.D.I.A. હેઠળ ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર ચૂંટણી લડેલી આમ આદમી પાર્ટી આ બન્નેમાંથી એકપણ સીટ જીતી નહીં શકે એવું એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે.

ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 25થી 26 સીટ પર જીત મળી શકે છે. જ્યારે કોંગ્રેસને વધુમાં વધુ એક સીટ પર જીત મળવાની સંભાવના છે.

શું કહે છે ટુડેઝ ચાણક્યનો સરવે?
ચૂંટણીના સરવેમાં ટુડેઝ ચાણક્યના આંકડા ભૂતકાળમાં પણ સૌકોઈને ચોંકાવતા આવ્યા છે. આ વખતે ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં તમામ 26 સીટો ભાજપના ફાળે જઈ શકે છે. જ્યારે કોંગ્રેસ ખાતું પણ નહીં ખોલી શકે.

ઇન્ડિયા ટીવી-CNXના એક્ઝિટ પોલમાં પણ ભાજપને 26 સીટ જીતવાનું અનુમાન બતાવાયું છે. CNXના સરવે પ્રમાણે કોંગ્રેસને ગુજરાતમાં આ વખતે પણ એકેય સીટ મળી શકે એમ નથી.

ટાઇન્સ નાઉ ETGના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ ફરી એકવખત ક્લિન સ્વીપ કરી શકે છે. ગુજરાતમાં ભાજપ 26 સીટ જીતશે એવું તેના તારણમાં સામે આવ્યું છે.

SAAM-જન કી બાતના એક્ઝિટ પોલમાં પણ ગુજરાતમાં કોંગ્રેસ ખાતું ખોલી શકે એવી સ્થિતિમાં દેખાતી નથી. સતત લોકસભાની ત્રીજી ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં એક પણ સીટ નહીં મળે એવું SAAM-જન કી બાતનો સરવે કહે છે.

રિપબ્લિક-મૈટ્રિઝના સરવેએ ચોંકાવ્યા
ગુજરાતમાં ઘણા એક્ઝિટ પોલ ભાજપને તમામ સીટ મળશે એવું દર્શાવી રહ્યા છે. પરંતુ રિપબ્લિક-મૈટ્રિઝના એક્ઝિટ પોલમાં ભાજપને ગુજરાતમાં 2 સીટનું નુકસાન દર્શાવ્યું છે. આ 2 બેઠકો કોંગ્રેસને ફાળે જાય એવી સંભાવના છે. જ્યારે આમ આદમી પાર્ટી એક પણ સીટી નહીં જીતે એવો રિપબ્લિક-મૈટ્રિઝના સરવેમાં સામે આવ્યું છે.

રિપબ્લિકના જ અન્ય એક સરવેમાં ગુજરાતમાં ભાજપ ક્લિન સ્વીપ કરે એવી સંભાવના બતાવાઈ છે. PMRQ નામની સરવે એજન્સી સાથે મળેલી કરેલા આ એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપ 26 સીટ જીતશે એવો દાવો થયો છે. જ્યારે કોંગ્રેસ ફરી એકવાર શૂન્ય સીટ પર સમેટાઇ જશે એવા તારણ સામે આવ્યા છે.

ટીવી9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ અનુસાર પણ ગુજરાતમાં ભાજપને 26 સીટ મળી શકે છે. જેમાંથી સુરતની સીટ તો ભાજપને ફાળે જતી રહી છે. આ સીટ પર મતદાન નહોતું થયું. પરંતુ બાકીની 25 સીટ પર પણ મતદારોએ ભાજપ પર જ પસંદગી ઉતારી હોવાનું ટીવી9 ભારતવર્ષ-પોલસ્ટ્રેટનો સરવે દર્શાવે છે.

ન્યૂઝ નેશને કરેલા એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપ 26 સીટ પર જીત મેળવી શકે છે.

ન્યૂઝ એક્સ-ડી ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં પણ ભાજપ ગુજરાતમાં બાજી મારી જશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મતદારોનો મિજાજ ભાજપ તરફી જ રહ્યો હોવાના આંકડા આ એક્ઝિટ પોલ દર્શાવે છે.

કુલ 11 સરવે એજન્સીએ ગુજરાતના મતદારોના મિજાજ વિશે જે આંકલન કર્યું એ નીચે મુજબ છે. તમામ સરવેનું તારણ કાઢીએ તો ભાજપ ફરી એકવાર ગુજરાતમાં બમ્પર જીત મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી I.N.D.I.A. ગઠબંધન હેઠળ મળીને ચૂંટણી લડ્યા હોવા છતાં કોઈ ફાયદો જણાતો નથી.

ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં સુરતને બાદ કરતા બાકીની 25 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં કુલ 2 કરોડ, 89 લાખ, 31 હજાર, 509 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, રાજ્યમાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. જે પાછલી ચૂંટણીની સાપેક્ષમાં ચાર ટકાની આસપાસ ઓછું હતું. મતદાન ઓછું થવા પાછળ ક્ષત્રિય આંદોલન કે ગરમી કારણભૂત હતી એ મોટો સવાલ છે.

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે. વર્ષ 2014 અને 2019માં ગુજરાતની આ તમામ બેઠકો ભાજપે કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં એકપણ સીટ આવી ન હતી. આ વખતે I.N.D.I.A. નામથી બનેલા ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર એમ 2 સીટ ચૂંટણી લડી હતી, જ્યારે બાકીની 24 સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં 23 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા.

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું અને ત્યાર બાદ નાટ્યાત્મક રીતે ભાજપના ઉમેદવાર સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા, એટલે ભાજપના મુકેશ દલાલના બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ, ભાજપના ખાતામાં એક બેઠક આવી ગઈ છે. 7મેના રોજ બાકીની 25 બેઠક પર મતદાન થયું હતું.

ગુજરાતમાં કઈ સીટ પર કોનો મુકાબલો?

પાંચ ઓપિનિયન પોલમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક
લોકસભા ચૂંટણી પૂર્વે ABP ન્યૂઝ-સી-વોટર, ઇન્ડિયા ટીવી-CNX, ટાઇમ્સ નાઉ- ETG, ઇન્ડિયા ટુડે અને ઝી ન્યૂઝ- મેટ્રિઝે ઓપનિયન પોલ બતાવ્યા હતા. આ તમામે દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ હેટ્રિક મારશે, એટલે કે તમામ 26 સીટ ત્રીજી વખત ભાજપના ફાળે જશે. અગાઉ 2014 અને 2019માં પણ ભાજપે ગુજરાતમાં 26 બેઠક જીતી હતી, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું ન હતું.

દેશમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થાય એ પહેલાં વિવિધ મીડિયા અને સરવે એજન્સીઓએ ઓપિનિયન પોલ રિલીઝ કર્યા હતા, જેમાં લોકો કોની સરકાર ઇચ્છે છે, કોને મત આપશે એવા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે થયેલા આવા કુલ પાંચ સર્વેમાં ગુજરાતમાં તમામ બેઠકો ભાજપને મળશે એવા દાવા કરવામાં આવ્યા હતા.

2019ના એક્ઝિટ પોલ કેટલા સાચા પડ્યા હતા?
2019ની લોકસભા ચૂંટણીમાં અલગ-અલગ પાંચ સરવે એજન્સી અને મીડિયા સંસ્થાનોએ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ કેટલી સીટો જીતશે એના દાવા કર્યા હતા, જેમાં ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાએ એક્ઝિટ પોલમાં બતાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપને 25 કે 26 સીટ મળશે, જ્યારે કોંગ્રેસને વધુમાં વધું 1 સીટ પર જીત મળી શકે છે. રિપબ્લિક ટીવી-સીવોટરનો દાવો હતો કે ભાજપને 22, જ્યારે કોંગ્રેસને 4 સીટ મળશે. ન્યૂઝ 24-ચાણક્યએ પોતાના એક્ઝિટ પોલમાં ભાજપને 26, જ્યારે કોંગ્રેસને એકપણ સીટ નહીં મળે એવો દાવો કર્યો હતો. ABP ન્યૂઝ-CSDCના એક્ઝિટ પોલમાં ભાજપે 24 અને કોંગ્રેસને 2 સીટનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે રિપબ્લિક ભારત-જન કી બાતે ભાજપને 22થી 23 અને કોંગ્રેસને 3થી 4 સીટ પર જીત મળશે એવું દર્શાવ્યું હતું, પરંતુ જ્યારે પરિણામ આવ્યાં તો ભાજપે ગુજરાતની તમામ 26 સીટ જીતી હતી, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું ન હતું.

2014ની લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ કેટલા સાચા પડ્યા હતા?
2014માં ટાઇન્સ નાઉ-ORGના એક્ઝિટ પોલમાં ભાજપને 23, જ્યારે કોંગ્રેસને 3 સીટ મળતી બતાવાઈ હતી. CNN-IBN-CSDCએ પણ પોતાના એક્ઝિટ પોલમાં ભાજપને 23 અને કોંગ્રેસને 3 સીટ મળશે એવો દાવો કર્યો હતો. જ્યારે ઇન્ડિયા ટીવી-સી-વોટરે ભાજપને 22 અને કોંગ્રેસને 4 સીટ, ન્યૂઝ24-ચાણક્યએ ભાજપને 26 સીટ મળશે એવો દાવો કર્યો હતો. જ્યારે હેડલાઇન્સ ટુડે-CICEROના એક્ઝિટ પોલમાં ભાજપને 25 અને કોંગ્રેસને 1 સીટ મળશે એવી સંભાવના બતાવી હતી. ચૂંટણીનાં પરિણામો આવ્યા તો ભાજપની બધી જ 26 સીટ પર જીત થઈ હતી.

છેલ્લી ચાર ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને કેટલા ટકા મત મળ્યા?
કોઈપણ ચૂંટણીમાં સત્તા માટે જીત મહત્ત્વની હોય છે, પરંતુ એ સાથે જ જે-તે પક્ષને કેટલા ટકા મત મળે છે એ દર્શાવે છે કે કેટલા મતદારોએ એ પક્ષ પર ભરોસો કર્યો. ભાજપે મોદીની આગેવાનીમાં ચૂંટણી લડી ત્યારે તેને ગુજરાતમાં 2014માં 60.11 ટકા અને 2019માં 62.21 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 2014માં 33.45 ટકા અને 2019માં 32.11 ટકા મત મળ્યા હતા.

2009ની લોકસભા ચૂંટણીમાં મનમોહન સિંહને જ કોંગ્રેસની આગેવાનીવાળી ગઠબંધન UPAએ આગળ ધર્યા, એટલે કેન્દ્રમાં ફરી UPA સત્તામાં આવી. ગુજરાતના આંકડા પણ ખૂબ રસપ્રદ રહ્યા હતા. ગુજરાતમાં 2009માં 47.9 ટકા મતદાન થયું હતું, જેમાંથી 46.52 વોટ ભાજપને, જ્યારે 43.38 વોટ કોંગ્રેસને મળ્યા હતા. તેમ છતાં ભાજપની સીટ વધી હતી, એટલે કે ભાજપને 15 અને કોંગ્રેસને 11 સીટ મળી હતી.

2004ની લોકસભા ચૂંટણી થઈ એનું પરિણામ પણ ખૂબ આશ્ચર્યજનક આવ્યું હતું. અગાઉ વાજપેયી દેશના વડાપ્રધાન હતા. કોંગ્રેસ પાસે વડાપ્રધાનપદનો એ સમયે કોઈ ચહેરો ન હતો. સોનિયા ગાંધીના રાજકીય ભાવિ પર પણ પ્રશ્નાર્થ હતો છતાં દેશભરમાં કોંગ્રેસને સૌથી વધુ 145 સીટ મળી હતી. જ્યારે ભાજપે 138 સીટ જીતી હતી.

2004માં ગુજરાતમાં 45.18 ટકા મતદાન થયું હતું. જેમાંથી ભાજપને 47.37 અને કોંગ્રેસને 43.86 ટકા મત મળ્યા હતા. આટલા વોટશેરમાં ગુજરાતની 26 સીટમાંથી ભાજપે 14 તો કોંગ્રેસે 12 સીટ જીતી હતી.

2004 અને 2009માં ભાજપને કુલ મતદાનમાંથી 46 ટકાની આસપાસ મત મળ્યા હતા. એની સામે સીટ અનુક્રમે 14 અને 15 મળી હતી. જો કોંગ્રેસ સાથે સરખામણી કરવામાં આવે તો આ બે ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં 3 ટકાની આસપાસ વધુ મત મળ્યા હતા.

ભૂતકાળમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ કેટલું થયું એ સમજી લો
2004 અને 2009માં કોંગ્રેસને 43 ટકાની આસપાસ મત મળ્યા હતા, જેમાં અનુક્રમે 12 અને પછી 11 સીટ પર જીત મળી હતી. મોદીએ દિલ્હીકૂચ કરી એ પછી આ વોટશેર 10 ટકા જેટલો ઘટ્યો અને 32 ટકાની આસપાસ મત મળ્યા, પરંતુ આટલા મત મળવા છતાં પણ 2014 અને 2019માં ગુજરાતમાં 26માંથી એક પણ સીટ પર કોંગ્રેસની જીત થઈ ન હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!